ધાનાણી ચૂંટણી પહેલાં જ ભાજપની છાવણીમાં :અમરેલીમાં ભાજપના કાર્યાલયમાં કોંગ્રેસના પરેશ ધાનાણી પહોંચ્યા, રૂપાલાને પગે લાગી ચાની ચૂસકી મારી
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે. તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા ભાગદોડ કરી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે અમરેલીમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય અને ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક ભાજપના કાર્યાલય પર પહોંચી ગયા હતા. અચાનક ભાજપના કાર્યાલયમાં ધાનાણીની એન્ટ્રી થતાં કાર્યાલયમાં સન્નાટો છવાઈ ગયો હતો. ધાનાણીએ પુરુષોતમ રૂપાલાને પગે લાગીને સાથે બેસીને ચાની ચૂસકી મારી હતી.
દાવ પેચ ભૂલી ચાની ચૂસકી
અમરેલીમાં ભાજપ કાર્યાલયમાં વહેલી સવારે પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા, ત્યારે અચાનક ત્યાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને લઘુબંધુ શરદ ધાનાણી ભાજપના કાર્યાલયમાં પ્રવેશતાં ઘડીભર માટે સન્નાટો કાર્યાલયમાં છવાઈ ગયો હતો. સૌપ્રથમ ધાનાણી પુરુષોત્તમ રૂપાલાને પગે લાગી આશીર્વાદ લીધા હતા. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે ભાજપના કાર્યાલયમાં રહેલા કાર્યકરો કોંગ્રેસના કાર્યકરોને અને મને આશીર્વાદ આપે. પરેશ ધાનાણીએ મોડી રાત્રે રાજકમલ ચોક ખાતે જંગી સભા યોજી હતી, જેમાં તેમણે ભાજપ પર અનેક આક્ષેપ કર્યા હતા. જોકે વહેલી સવારે ભાજપના જ કાર્યાલયમાં પહોંચી દાવપેચ ભૂલી ચાની ચૂસકી માણતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.
ધાનાણીએ ભાજપના ધરખમ નેતાઓને હરાવ્યા
ખેડૂત અને પાટીદાર સમાજની બહુમતીવાળા અમરેલી જિલ્લાની બધી બેઠકો પર ભાજપ ક્યારેય ભગવો નથી લહેરાવી શક્યો. ગઈ ચૂંટણીમાં પાટીદાર આંદોલનના વાવાઝોડામાં તો ભાજપનો સફાયો થયો હતો. જિલ્લાની પાંચેય બેઠક પર ભાજપની હાર થઈ હતી. એક સમયે ગુજરાતમાં સૌથી નાની ઉંમરે ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પરેશ ધાનાણીએ સતત બે ટર્મથી અમરેલી સીટ પર ભાજપના ધુરંધરોને માત આપી છે. ભાજપના ધરખમ નેતા રૂપાલા, સંઘાણી બાદ ગઈ ચૂંટણીમાં બાવકુ ઉંધાડ ધાનાણીએ હરાવ્યા હતા.
રિપોર્ટર - કિશન નાથાણી
COMMENTS